અમદાવાદની સાયન્સ સિટી ખાતે ICAI-2022 બે દિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
 
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન
 
વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022
 
ગુજરાતની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીઓ એક્ઝિબિશનમાં સહભાગી થઇ.
અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ - 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું.
 
આ પ્રસંગે  ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણી, મંત્રી શ્રી ડો. કુબેરભાઇ ડિંડોર, મંત્રી શ્રી કિરિટસિંહ વાધેલા, મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ.જે.હૈદર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ,  મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પી.આર.એલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 
 ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે.
 
Shere :