આજની લાઇફ સ્ટાઇલ અનુસાર, મહિલાઓમાં ત્વચા અને વાળની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. ત્યારે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ પણ વધી રહ્યો છે. પરંતુ ઘરગથ્થુ ઉપચારથી પણ વાળ અને સ્કિનની સંભાળ લઈ શકો છો. માટી સ્કિન અને વાળ બંને માટે ફાયદાકારક છે. પૌરાણિક સમયમાં મહિલાઓ માટીથી જ વાળ ધોતી હતી. પરંતુ હાલના સમયમાં શેમ્પુ સિવાય ઘણી હેર કેર પ્રોડકટસ માર્કેટમાં છે. તો વાળની પણ ઘણી સમસ્યા પણ જોવા મળી રહી છે. હેર એક્સપર્ટ ડૉ. ગુંજન પાસેથી જાણીએ વાળ માટે ક્લે પેક અને ક્લે વોશ કેટલું ફાયદાકારક છે.
વાળ માટે કાળી માટીનો પેક ફાયદાકારક
આ પેક બનાવવા માટે એક વાટકી કાળી માટી, એક કપ ખાટું દહીં અને થોડું પાણી મિક્સ કરીને મેંદી જેવો ઘટ્ટ પેક બનાવો. થોડી વાર પછી તેને બ્રશની મદદથી વાળમાં લગાવો. દોઢ કલાક સુધી આ પેકને રાખો આ બાદ વાળ ઘસીને ધોઇ લો. જેથી માટી નીકળી જાય. આ પેકથી વાળને પોષણ મળશે અને મૂળ પણ મજબૂત થશે. તો વાળ ચમકદાર અને ઘાટા દેખાશે.
ક્લે હેર વોશ
એક વાટકી કાળી માટીમાં સપ્રમાણ પાણી ઉમેરો અને થોડો સમય માટીને ફુલવા દો. આ બાદ વાળને થોડા ભીના કરો અને વાળના મુળમાં આ પેસ્ટ લગાવો. પાંચ મિનિટ સુધી આ પેકને રાખ્યા બાદ સાદા પાણીથી વાળને ધોઇ લો.
મુલતાની માટીનો પેક
મુલતાની માટીનાં પેકથી રુક્ષ અને રફ વાળની સમસ્યા દૂર થાય છે. ત્રણ ચમચી મુલતાની માટીને આખી રાત થોડા પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં એક કપ દહીં, એક લીંબુનો રસ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને બ્રશ વડે વાળમાં લગાવો અને પંદર મિનિટ સુધી રાખો. આ પછી વાળને હાથ વડે ઘસીને સાફ કરો.
મુલતાની માટીથી વાળ ધોવો
મુલતાની માટી વાળ અને સ્કેલ્પનું પીએચ લેવલ જાળવી રાખે છે અને ટોકિસન્સને શોષી લે છે. આ પેકથી વાળમાં ભેજ પણ રહે છે. જેના કારણે વાળ ચમકદાર બને છે. આ માટે મુલતાની માટીને થોડા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ચમચી વડે હલાવીને ઘટ્ટ પેસ્ટ બનાવો. પાંચ મિનિટ પછી વાળ ધોઈ લો.આ ઉપાય કરવાથી વાળમાં ચમક જોવા મળશે.
Source : Divyabhaskar News Site