ભારત સરકારનો મોટો નિર્ણય, હવે 156 દેશોને જ ઈ-વિઝા
 

ચીન, હોંગકોંગ, મકાઉ સહિત નવ દેશના પ્રવાસીઓ માટે ભારતે ઈ-વિઝાની સુવિધા બંધ કરી દીધી છે. આ દેશોમાં કેનેડા, યુ.કે., ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા પણ સામેલ છે. જોકે, યુ.એસ., તાઈવાન, વિયેતનામ, સિંગાપોર સહિતના વિશ્વના કુલ 156 દેશ માટે ઈ-વિઝાની સુવિધા ચાલુ રહેશે. હમણા સુધી ભારત ચીન સહિતના કુલ 171 દેશના લોકોને ઈ-વિઝાની સુવિધા આપતું હતું.

ખાસ કરીને ચીનને લઈને ભારતનો નિર્ણય મહત્ત્વનો ગણાય છે. તેનું કારણ એ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સરહદે સતત આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરી રહી છે. 2015-16માં ભારતે ઈ-વિઝા માટે ચીનને પ્રાયર રેફરલ કેટેગરી (પીઆરસી)માંથી બહાર કાઢ્યું હતું, પરંતુ બાદમાં તેને અન્ય 171 દેશોની યાદીમાં સામેલ કર્યું હતું.

આ યાદીમાં ચીનની સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સુદાન, ઈરાક અને વિવિધ દેશના શરણાર્થીઓને પણ ઈ-વિઝા અપાતા હતા. જોકે, માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ પ્રતિબંધો જાહેર કર્યા ત્યારે તમામ પ્રવાસીઓ માટે ઈ-વિઝા બંધ કરાયા હતા.

ઈ-વિઝા જારી નહીં કરવાનો નિર્ણય કેમ?
ભારત કુલ 171 દેશને ઈ-વિઝાની સુવિધા આપતું હતું, જેમાં ચીન પણ સામેલ હતું. જોકે, કોરોના મહામારી પછી પ્રવાસ પ્રતિબંધો હેઠળ અનેક દેશોએ ભારતીય નાગરિકોને તેમના દેશમાં આવવાની મંજૂરી આપી નથી અથવા તો વિઝાને લગતી પ્રક્રિયા ઘણી અઘરી બનાવી દીધી છે. એટલે ભારતે પણ જવાબી કાર્યવાહી હેઠળ યુ.કે. અને કેનેડા સહિત કુલ નવ દેશને ઈ-વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

ભારત આવતા બાળકોને કોરોના ટેસ્ટમાંથી મુક્તિ

  • દુનિયાના વિવિધ દેશમાંથી ભારત આવતાં 5 વર્ષ કે તેનાથી નાની વયનાં બાળકોને અહીં આવતા પહેલાં કે પછી કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. ભારત સરકારના નવા ઈન્ટરનેશનલ અરાઈવલ નિયમો પ્રમાણે હવે બાળકો માટે એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત નથી.
  • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિદેશી પ્રવાસીઓને લગતા કોરોના સંબંધિત દિશા-નિર્દેશમાં ફેરફાર કરતા કહ્યું છે કે હવે ફક્ત એ જ બાળકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે જેમનામાં કોરોનાનાં લક્ષણ દેખાતાં હોય.
 
Shere :