એર ઈન્ડિયા યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ત્રણ ફ્લાઈટ ઉડાવશે
નવી દિલ્હી: એર ઈન્ડિયાએ યુક્રેન માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. યુક્રેન સંકટ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. એર ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે.
એર ઈન્ડિયાએ તારીખો જાહેર કરી
એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને તારીખોની જાણકારી આપી છે. ભારત-યુક્રેન ફ્લાઇટ 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ઓપરેટ થશે. એર ઈન્ડિયાની ઓફિસો, વેબસાઈટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા આ ફ્લાઈટ્સ માટે બુકિંગ હવેથી ખુલ્લું છે.
યુક્રેનમાં 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ
સરકારી આંકડાઓ અનુસાર યુક્રેનમાં 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં રશિયા સાથે ચાલી રહેલા તણાવને કારણે સરકાર વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.
ભારત સરકારે આ નિર્ણય લીધો છે
જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા વિમાનમાં સીટોની સંખ્યા પરનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દ્વિપક્ષીય એર બબલ એગ્રીમેન્ટ હેઠળ ભારત અને યુક્રેન વચ્ચે ચાલતી ફ્લાઈટ્સની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેથી કરીને પૂર્વ યુરોપીય દેશમાં ફસાયેલા ભારતીયો વતન પરત ફરી શકે.
આવનારા સમયમાં ફ્લાઇટ ઓપરેશન વધી શકે છે
મંત્રાલયે કહ્યું હતું કે યુક્રેનિયન ઈન્ટરનેશનલ એરલાઈન્સ, એર અરેબિયા, ફ્લાય દુબઈ અને કતાર એરવેઝ હાલમાં યુક્રેનથી ફ્લાઈટ ચલાવી રહી છે. વધારાની માંગને પહોંચી વળવા આગામી સમયમાં વધુ ફ્લાઈટ્સ ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
.