40 વર્ષના ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધીઃ IPLના બે દિવસ પહેલા CSKની કમાન જાડેજાને સોંપવામાં આવી, 14 વર્ષમાં પહેલીવાર બદલાયો ટીમનો કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝનથી ચેન્નાઈનો કેપ્ટન હતો. તેમની કપ્તાનીમાં ટીમ 2010, 2011, 2018 અને 2021માં ચેમ્પિયન બની હતી. ધોનીએ પોતાના દમ પર કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. તે IPLની 15મી સિઝનમાં ખેલાડી તરીકે રમતા જોવા મળશે.
IPL 2022 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે પરંતુ તે પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ધોનીએ પોતાના દમ પર કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. તે IPLની 15મી સિઝનમાં ખેલાડી તરીકે રમતા જોવા મળશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈને વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચે કોલકાતા સામે તેની પ્રથમ મેચ રમવાની છે પરંતુ તે પહેલા ચાર વખતની ચેમ્પિયન CSKમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
CSKએ આ વખતે IPLની હરાજી પહેલા ધોની-જાડેજા સહિત ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ સૌથી વધુ રૂ. 16 કરોડની રકમ સાથે જાળવી રાખ્યો હતો. પરંતુ ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડ રૂપિયામાં જ રિટેન કરવામાં આવ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.