ચોમાસાની શરૂઆત થતા જ તડકો જોવા મળતો નથી. જેના કારણે કપડામાંથી જ નહીં પરંતુ વાળમાંથી પણ દુર્ગંધ આવે છે. જો તમે પણ વરસાદમાં પણ પલળ્યા હોય અને વાળ ભીના હોય તો તુરંત જ સુકવી લેવા જોઈએ, નહીં તો ભેજના કારણે માથું ચીકણું થઇ જાય અને માથામાંથી દુર્ગંધ પણ આવે છે. ઘણીવાર માથામાંથી દુર્ગંધ આવવા પાછળનું કારણ હેર સિંડ્રોમ પણ હોઈ શકે છે. તો ચોમાસામાં માથામાંથી દુર્ગંધની સાથે વાળ ચીકણા થઈ જવા, ખરવા અને રુક્ષ થવા પણ સામાન્ય છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવે છે કે, ચોમાસામાં ઘરગથ્થુ ઉપચારથી વાળની સમસ્યાથી કેવી રીતે બચી શકાય?
ખોડાથી બચવાના ઘરગથ્થુ ઉપાય
ચોમાસાની ઋતુમાં તેલ અને પરસેવાને કારણે ખોડાની સમસ્યા તુરંત જ થઇ જાય છે. ખોડાની સમસ્યાથી છુટકારા માટે તમે માથામાં ગરમ તેલથી મસાજ કરી શકો છો. આ માટે તલ અથવા તો ઓલિવ ઓઇલને ગરમ કરો અને વાળના મૂળમાં મસાજ કરો. આ બાદ એક ટુવાલને ગરમ પાણીમાં રાખો, આ બાદ ટુવાલને નીચોવીને માથા પર બાંધી દો. 5 મીનીટ સુધી રાખો, આ પ્રક્રિયાન ચારથી પાંચ વાર કરો. આ ઉપાયથી વાળ અને સ્કેલ્પમાં તેલ પહોંચશે. તો વાળમાંથી દુર્ગંધને દૂર કરવા માટે આખી રાત તેલ રહેવા દો. ખોડાને દૂર કરવા માટે સવારે એક લીંબુનો રસ સ્કેલ્પમાં લગાવો અને 20 મીનીટ બાદ વાળને ધોઇ લો. વાળને શેમ્પૂ કર્યા બાદ ટી ટ્રી ઓઇલથી વાળને ધોવાથી વાળમાંથી સુગંધ આવશે.
વાળમાંથી દુર્ગંધ આવે તો શું કરી શકાય?
ઉનાળા અને ચોમાસામાં વાળમાંથી દુર્ગંધ આવવી સામાન્ય વાત છે, પરંતુ વાળમાંથી દુર્ગંધને કારણે ઘણીવાર શરમનો પણ સામનો કરવો પડે છે. વાળમાંથી દુર્ગંધ ન આવે તે માટે અઠવાડીયામાં ચાર વાર વાળ ધોવા જોઇએ. વાળમાંથી સુગંધ આવે તે માટે છેલ્લે એક લીંબુનો રસ અને અડધો કપ ગુલાબ જળ મિક્સ કરીને વાળ ધોઇ લો,
ચમકદાર વાળ માટે કરો આ ઉપાય
વરસાદમાં વાળમાં ચીકાશ અને દુર્ગંધ સામાન્ય છે. જેનાથી બચવા માટે ચાનું પાણી અને લીંબુનો ઉપયોગ કરો. ઉપયોગ કરેલી ચાની ભૂકીને ચારથી પાંચ કપ પાણીમાં ફરી ઉકાળી લો, પાણીનું પ્રમાણ વાળની લંબાઈ પર આધાર રાખે છે. આ બાદ પાણી ઠંડુ થાય ત્યારે ગાળી લો. આ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો. શેમ્પુ કર્યા બાદ આ પાણીથી વાળ ધોવાથી વાળની ચમક વધે છે અને વાળ સોફ્ટ થાય છે. વાળની ચમક વધારવા માટે તમે ઇંડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ઇંડાનો સફેદ ભાગને લીંબુના રસ સાથે મિક્સ કરીને વાળ ધોતા પહેલા લગાવી દો.
ડાયેટમાં આ વસ્તુને કરો સામેલ
પોષણની કમીને કારણે વાળ ખરવા સામાન્ય કારણ છે, જેથી ડાયટમાં આ વસ્તુને સામેલ કરી શકો છો. સવારે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરો અને સૌથી પહેલા તે જ પાણી પીઓ. દરરોજ જમવામાં ફ્રુટ, સલાડ, લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ,દહીં, ફ્રુટ જ્યુસ અને સુપને સામેલ કરો. દરરોજ 6થી 8 ગ્લાસ પાણી પીઓ. સ્વસ્થ વાળ માટે વિટામીન સી, જિંક, ઓમાગા 3, ફેટી એસિડ પણ જરુરી છે. સંતરા, લીંબુ, ટમેટા, પપૈયા, દ્રાક્ષ, કોબી અને ફ્લાવરમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે. તો માછલી, મશરૂમ, લીલા શાકભાજીમાં જિંક ભરપૂર હોય છે. માછલી અને અખરોટમાં ઓમાગા 3 અને ફેટી એસિડ હોય છે.