ધન્ય છે ધાનબાઇમા ને.......
. . . . . . .. . લેખક : જયંતિભાઈ આહીર
ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે.
સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા (માળા) ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળીયા વગડેથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવા વચ્ચે વાછરૂ-પાડરૂના મીઠા સૂરોથી મોણપરી ગામ ગોકળ જેવું રૂડુ લાગતું હતું. ગામના દરેક ઘરના ગોખલે ધૂપ-દિપ અને મીઠી મહેક સાથે વાળુંની તૈયારીઓને કારણે વાતાવરણ તરોતાજુ લાગી રહ્યું હતું. રામજી મંદિરમાં ઝાલર-નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખો દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાંતે લાંબા થયા હતા. દિવસ ભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો-ભેંસો દોહી વાછરૂ-પાડરૂને છૂટા મુકતા ચારેબાજુ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.
મોણપરી ગામના પસાયતા મેણંદ આહીરના માતા એંસી વર્ષના ધાનબાઈમાએ ગજબની સ્ફુર્તિ સાથે ગોખલે બીરાજેલા કાળિયા ઠાકરનો દીવો કરી ગુગળનું ધુપેલીયું ઘર અને ફળિયામાં ફેરવી પાણીયારે મુક્યું. અને હાથમાં માળા લઈ હરી સ્મરણ કરવા થાંભલીને ટેકે બેઠા. બરાબર એ વખતે ઉતાવળે ડાંફો ભરતા દીકરા મેણંદને ફળિયામાંથી ઠેકડો મારી ઓંસરીમાં પગ મુકી બીજી ડાંફે ઘરમાં દાખલ થતો જોયો. ઘરની ખીંટીએ લટકતી બંદૂક લઈ કારતૂસનો હારડો ખંભે ભરાવી ઉંબરો વળોટી વીજળીવેગે તેને ઘર બહાર નિકળતો જોઈ શરીરે કડે-ધડે એંસી વર્ષના ધાનબાઇમા અમંગળના એંધાણ પારખી ગયા. દીકરાનું રૂપ જોઈ ધાનબાઈમાએ પળનોય વિલંબ કર્યા વગર હડફ દેતા ઊભા થઈ મેણંદનું બાવડું ઝાલી ઊભો રાખ્યો. એ વેળાએ પાદર તરફથી બંદૂકોના ભડાકા સંભળાયા.
ગોંડલ રાજના પસાયતા તરીકે મેણંદ આહીર મોણપરીમાં ફરજ બજાવતા. મેણંદ આહીરે બહારવટીયાનું ગીસ્ત ગામ ભાંગવા આવી પહોંચ્યું હોય નજીકના ગોંડલ પોલીસ થાણે જાણ કરવાનો સમય ન હતો, તેથી એકલા હાથે લુંટારાઓનો સામનો કરવા તૈયારી કરી હતી. દીકરા મેણંદને પસાયતાનો ધરમ નિભાવતો જોઈ ધાનબાઈમા રાજી થયા. જોકે ઉતાવળમાં મેણંદ બંદૂકમાં કાર્તુસ ભરવાનું ભૂલ્યો હોય મન શાંત રાખી દુશ્મનોનો સામનો કરવાની શીખ આપી. એટલીવારમાં બહારવટીયા હાકલા પડકારા સાથે બંદૂકોના ભડાકા કરતા મોણપરી ગામમાં ધુસતા ભયનું વાતાવરણ સર્જાયું. પોતાની ઉંમરની ઉપાધી કર્યા વગર ધાનબાઈમાએ સમય પારખી ઝડપથી ઘરનો ડેલો બંધ કરી બહારવટીયાઓને ભરી પીવા તૈયારી આદરી.
મા-દીકરાની વાત સાંભળી રસોડામાં વાળુંની તૈયારી કરતા મેણંદ આહીરના પત્ની સોનબાઈ કાથરોટમાં લોટનો પીંડો પાછો મૂકી રસોડા બહાર આવ્યા. સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડણીયા પાસે પડેલ સાંબેલુ હાથમાં લીધું. આહીરાણી સોનબાઈ પતિ મેણંદ આહીર સાથે બહારવટીયાનો સામનો કરવા તૈયાર થયા, ત્યાં ડેલાની સાંકળ ખખડાવી કોઈએ અવાજ કર્યો.
‘ડેલો ખોલો !’
મા-દીકરા સાથે સોનબાઈએ બહારવટીયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નકકી કરતા ધાનબાઈમાએ આંખનો ઈશારો કરી ફળિયામાં પડેલ કોશ હાથમાં લીધી. ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખખડવાનો અવાજ આવતા ધાનબાઈમા પીઠ પાછળ કોશ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા, સોનબાઈ સાંબેલુ લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા. ત્યારે મેણંદ આહીરે ઓંસરીમાં પડેલ બાજરાની ગુણો પાછળ બંદૂક ગોઠવી નિશાન તાક્યું.
તીરાડમાંથી ધાનબાઇમાએ નજર કરતા ત્રણ બુકાનીધારી બહારવટીયાને ભરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા; ડેલી ખોલવામાં મોડું થાય તો બાકીનું કટક આવી પહોંચવાનું જોખમ લાગતા ધાનબાઈમાએ શાંતિથી જવાબ આપ્યો.
‘અરે શું ઉતાવળ કરશ, ભાઈ ? થોડીક ધીરજ રાખ્ય ડેલો ખોલું છું !'
‘ડોસી, ક્યારૂના બારણાં ખખડાવીયે છીએ; શું કાનમાં પુંભડા ભર્યા છે ?’
’ના, બાપલીયા આ ઠાકરનો દીવો કરતી ‘તી અટલે વાર લાગી !’ ધાનબાઇમાએ સોનબાઇ અને મેણંદને સાબદા રહેવા ઇશારો કરી ડાબા હાથમાં પકડેલ કોશ પીઠ પાછળ છુપાવી ડેલાનો આગળીયો ખોલતા ત્રણેય બહારવટીયા વિઘા એકના ફળિયામાં ઉતાવળે દાખલ થતા આગળ વધ્યા.
‘ડોસી, તારો દીકરો અને ગોંડલના હથિયાર કયાં છે ? ચૂપચાપ અમારે હવાલે કર્ય; અમે ગામ ભાંગવા આવ્યા છીએ !’ પોતાની તાકાત પર મુસ્તાક બહારવટીયાઓએ પાછું વળી જોયા વગર તોછડાઈથી આગળ વધતા ધાનબાઇમાએ હળવેથી ડેલો બંધ કરી દીધો.
‘ડોસી ઝટ પસાયતાની બંદૂક અમારે હવાલે કર્ય; નહીંતર આ કાળા મોઢા’ળી સગી નહીં થાય !’
‘હા ભાઇ હમણા મેણંદને બોલાવું છું !’ એમ કહેતા એંસી વર્ષના ધાનબાઇમાએ ચીત્તા જેમ છલાંગ મારી પીઠ પાછળ છુપાવેલી કોશ એક બહારવટીયાની પીઢમાં મારતા તેને ભોંય સાથે જડી દીધો. એ જોઈ બીજા બે બહારવટીયા હથિયારો સાથે સાબદા થતા સોનબાઈએ આગળ વધેલા એક બહારવટીયા પર વિફરેલ વાઘણ જેમ તરાપ મારતા અધમણ વજનના સાંબેલાના એક ઘાએ તેની ખોપરીના છોતરા કાઢી નાંખ્યા. પોતાની નજર સામે આંખના પલકારામાં બે સાથીઓ મરણને શરણ થતા ગભરાયેલા ત્રીજા બહારવટીયાએ બંદૂકનું નાળચું ધાનબાઇમા તરફ તાંકતા મેણંદ આહીરે બંદૂકનો ઘોડો દબાવતા ત્રીજો બહારવટીયો પણ પળવારમાં હતો ન હતો થઇ ગયો.
પસાયતા મેણંદ આહીરનો ડેલો બંધ હોઇ ફળિયામાં શું થયું ? તે બંદૂકોના ભડાકા, હાકલા-પડકારા વચ્ચે કોઈને કંઈ જાણવા ન મળ્યું. ગામવાસીઓ બહારવટીયાઓની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા, તો કેટલાક ઘરબાર રેઢા મુકી સીમ તરફ ભાગ્યા. મોણપરીમાં નાના-મોટા સૌ ડરના માર્યા સલામત જગ્યા શોધી રહ્યા હતા, ત્યારે ત્રણ બહારવટીયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નહીં વળાય તેવું ધાનબાઇમાને લાગતા દીકરા મેણંદને માંડ માંડ મનાવી પાછલા બારણે મારતે ઘોડે ગોંડલ પોલીસ થાણે જાણ કરવા દોડાવ્યો.
ઘરના ફળિયામાં ત્રણ બહારવટીયાના ઢીમ ઢાળી તેની કારતૂસોના હારડા સાથે બંદૂકો કબજે કરી એક બંદૂક સોનબાઈએ અને બીજી ધાનબાઇમાએ હાથમાં લીધી. મોણપરી લુંટવા આવેલા બહારવટીયા બંદૂકોના ભડાકા સાથે હાકલા પડકારા કરતા વ્યુહ ગોઠવવા ગામના ચોરે ભેગા થયા. બહારવટીયાના સરદારે પસાયતાના ઘેર મોકલેલા સાથીઓને ટોળામાં ન જોતા બીજા ત્રણ માણસો મેણંદ પસાયતાના ઘેર મોકલ્યા.
‘ભગા, જઈને જો તો ખરો ? આ સાદુળ અને એના ભેરૂં હજી કેમ પાછા ફર્યા નથી ?’
’ભલે સરદાર !’
‘પહાયતો આયર છે એટલે થોડીક સાવધાની રાખજે !’
‘જી, સરદાર તમે ઉપાધી નૉ કરો હમણાં પહાયતાને બંદૂક ભેળો તમારી પાંહે ઢહડી લાવીએ છીએ !’ ભગો બહારવટીયો બીજા બે સાથીઓ સાથે મેણંદ પસાયતાના ડેલે પહોંચ્યો.
‘ડેલો ખોલો !’ અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી ત્રાડ પાડી.
’ડેલો ખોલો છો કે તોડી નાંખીએ ?’
’ભાઈ ઘરમાં કોઈ જણ ન હોય કવેળાએ ડેલો નૉ ખુલે જણ આવે ત્યારે આવજો !’ ધાનબાઈમાએ અંદરથી જવાબ આપ્યો.
‘ડેલો ખોલો છો કે ડેલો તોડી અંદર આવીએ ?’ ભગા બહારવટીયે ધાનબાઇમાને વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કુદવાનો ઇશારો કર્યો.
’ભાઈ જેવી તમારી મરજી બાકી ડેલો તો નહીં ઉઘડે !’
’ઈમ વાત છે ?’
’હા ભાઈ !’ ધાનબાઈમાએ મકકમતાથી જવાબ દીધો.
આ બાજુ ધાનબાઈમાના ખોરડાની ઉંચી દિવાલ પર બહારવટીયાને ચડેલો જોઈ રણચંડી સોનબાઈએ બંદૂકનું નિશાન તાંકી ભડાકો કરતા તેનો પગ વિંધાતા ફળિયામાં પડયો. ફળિયામાં પડેલા બહારવટીયાને ઢસડી સોનબાઈએ ભેંસના ખીલા સાથે બાંધી દીધો. ભગાએ સાથીને ગોળીએ વિંધાતો જોઈ ડેલા તરફ બંદૂક તાંકતા ઘાનબાઈમાએ વંડીના છજાની આડશ લઈ ભડાકો કરતા ભગાની છાતી વિંધી નાંખી, તે જોઈ ત્રીજો બહારવટીયો મુઠ્ઠીઓ વાળી ભાગ્યો.
મેણંદ આહીરને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બહારવટીયાએ સરદારને બનેલી ઘટનાની જાણ કરતા તે ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. સરદારે પસાયતાના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો કરતા લુંટારા ગામની શેરીઓ ગજાવતા આગળ વધ્યા. પોતાના સાથીઓના મોતનો બદલો લેવા લુંટારાઓ અધીરા થતા ડેલો તોડવા આગળ વધ્યા. એ જોઈ ધાનબાઈમા અને સોનબાઈ આહીરાણીની બંદૂકો ગર્જી ઊઠતા ચાર-પાંચ બહારવટીયાઓના ઢીમ ઢળી જતા ભારે ભાગદોડ મચી ગઈ.
બહારવટીયા મુંઝાયા હવે શું કરવું ? તેવી વિમાસણમાં મુકાતા ધાનબાઈમા આગળ સાથીઓની લાશની માંગણી કરી, પરંતુ ધાનબાઈમાએ બંદૂકનો ભડાકો કરી વધુ એક બહારવટીયાની છાતી વિંધી નાંખતા બહારવટીયા સાથીઓની લાશો હાથવગી કરવા મરણીયા થયા. અને આખરી ઉપાય તરીકે મેણંદ પસાયતાના ઘરને આગ લગાવવા બોરડીના ગાળીયા સાથે બાવળના ઠરડા ખોરડા ફરતે ખડકવાનું શરૂ કર્યું. એંસી વર્ષના ધાનબાઈમાએ ચંદ્રના આછા અજવાળામાં મોભારે ચડી બહારવટીયાના સરદારની છાતીનું નિશાન તાંકતા તેને ઘોડા પરથી હેઠો પાડયો.
સરદાર મરાતા બહારવટીયા ગભરાયા અને એકબીજાના મોઢા જોવા લાગતા હવે શું કરવું ? પણ સમજ ન પડતા મોણપરી લુંટવાનું પડતું મુકી સીમ તરફ ભાગવા લાગ્યા. એ દરમિયાન ગોંડલ પોલીસની કુમક આવી પહોંચતા બહારવટીયાઓને ચારે બાજુથી ઘેરી પકડી લેતા ગોંડલ જેલ ભેગા કર્યા.
એંસી વર્ષના ધાનબાઈમાએ રંગ રાખતા તેના પરાક્રમની વાતો સાંભળી આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી. ધાનબાઈમાને જોવા મોણપરીમાં લોકો ઉમટી પડ્યા. એ વખતે ગોંડલના રાજા તરીકે સર ભગવતસિંહજી રાજ કરતા હતા. ગોંડલ નરેશે જ્યારે મોણપરીમાં ધાનબાઈમાની જ્વાંમર્દીભરી વાત સાંભળી ત્યારે તે ખૂબ રાજી થયા. અને ઉદાર દીલના આ રાજવીએ રાજકીય પરંપરા તોડી મારતી મોટરે મોણપરી પહોંચી હરખાતા હૈયે પોતાની રૈયતને બીરદાવવા ધાનબાઈમાના ઘેર પહોંચ્યા. મોણપરીમાં ગોંડલના ધણીની પધરામણી થતા આખું ગામ હરખના હિલોળે ચડ્યું.
મહારાજા સર ભગવતસીંહજીએ રાજાને શોભે તેમ ધાનબાઈમાનું પરિવાર સાથે જાહેર સન્માન કરી ચાર સાંતીની જમીન તાંબાના પતરે લખી આપતા આખા મલકમાં ધાનબાઈમાના પરિવારની વીરતા સાથે કદરદાન રાજા ભગવતસિંહની ખાનદાનીની વાતો થવા લાગી.